જાતે જણ્યાને જાકારો કેમ ?
આત્મહત્યા, પ્રેમી યુગલોના આપઘાત, હત્યા, ખૂન, લૂટ, બાળીને મારી નાખવાનાં કિસ્સાઓ કે મરી જવાની ઘટનાઓ, સમુહ આત્મઘાત, બળાત્કાર, સામુહિક બળાત્કાર વગેરે ઘટનાઓ એક મિડીયા કર્મી માટે બ્રેકિંગની ટર્મ બનીને જ રહી ગઇ છે કે શું? શું માનવતા મરી ગઇ છે અમારામાં કે પછી આ રુટીન હોવાથી હવે દુ:ખ ઓછું થાય છે અમને એ એક સંશોધનનો વિષય છે. અને આજે પણ આવી જ ખબરોની વ્યસ્તતા વચ્ચે એક બ્રેકિંગ ન્યૂઝ આવ્યા.......
પાટણ 31012018
શક્તિમાતાના મંદિર પાસે નવજાત બાળક મળ્યુ
પાટણ ઉંઝા રોડ પાસેના માંડોત્રી ગામ પાસેની ઘટના
બિનવારસી હાલતમાં 3 દિવસનું બાળક મળી આવ્યુ
બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યુ
સમાચાર બ્રેકિંગ હોવાથી, ઝડપભેર એડીટીંગ કરીને ફાયર કરી દિધા અને બીજા સમાચાર સાથે વ્યસ્ત થઇ ગયો. કલાક પછી થોડા ફ્રી સમયમાં ફાયર કરેલા સમાચારો પર નજર ફેરવતા અચાનક જ એક વિચાર આવી ગયો અને આગળ જતા જાણે આ વિચાર અંદરથી ઝંઝોળી ગયો.
વિચાર સામાન્યતા અવ્યો હતો કે આ મહિનામાં નવજાત શિશુને ત્યજવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. કેટલા છે ચાલ જોવતો જરા. અને એક, બે, ત્રણ નહીં પુરા સાત કિસ્સા સામે આવી ગયા. કિસ્સા પણ કેવા ? નવજાત બાળકોને ત્યજવાના કિસ્સા હોય માનવ સહજ વ્યતીથતા તો આવવી સામાન્ય છે. વધારેતો મંદિરમાં ત્યાજાય છે, જાણે ભગવાનને પણ આપણે સમજાવીએ છીયે કે “તારુ દિધેલું, પ્રભુ તુજને ધરાવું” તો કોઇ નવજાતને કરચા પેટીમાં ત્યજાયું છે. કે જ્યાં માંસાહારી પશુંઓનો અડ્ડો છે. કોઇ નવજાતને બુટ રાખવાની રેકમાં ત્યજવામાં આવ્યું હતું અને એક નવજાત બાળકતો કેનાલ પાસેથી મળી આવ્યું, કદાચ ત્યજનાર, આવ્યુ તો હશે કેનાલનાં પણીમાં ફેકવા. પણ જીવ ન ચાલ્યો હોવો જાઇએ એટલે કેનાલ પાસે મુકીને છનન થય ગયું.
અચરજ તો એ છે કે ગુજરાત આખામાં આવી ઘટનાઓ સામે આવી છે. કદાચ હવે કોઇ ગુજરાતી એમ ન કહી શકે કે “મારા મલકના માયાળુ માનવી”. વડોદરામાં તો કોઇ વ્યક્તિ લગભગ 4/5 વર્ષની ઢિંગલી જેવી બાળકીને મંદીર પાસે મુકી ગયું હતું. સ્થાનીકો આગળ આવ્યા અને બાળકીને સાચવી લીઘી તે માટે સ્થાનીકોની સરાહના કરુ છું. સ્થાનીકોએ આપેલ નામ “પ્રિયાંશી” સાથે બાળકી શિશું ગૃહમાં છે.
પરંતુ તરત જ મનમાં સવાલ ઉભો થયો કે જો સમાજમાં લોકો હજુ અટલા જ પ્રેમાળ અને પર દુ:ખે દુ:ખી છે તો આજ સમાજમાં એક જનેતાની માનસીકતા આવી કેમ થઇ ગઇ છે. જોતે જણ્યાને જાકારો કેમ? સમાજે અને સમાજના કહેવાતા રખેવાળોએ આ વિષય પર વિચાર કરવાની તાતી જરૂર છે. આ બાળકો બાયોલોજીકલ વેસ્ટ ક્યારે બની ગયા ? માતૃત્વનું પરીવર્તન મરુભૂમીમાં ક્યારે, કેમ અને કંઇ મજબુરીઓ કરાવી ગઇ છે તે પ્રશ્ન અણીયારો તો છે જ. જન્મ આપનાર માઁની કઇ એવી મજબુરી હશે કે આવું પગલું ભર્યુ. તો સાથે સાથે આ પણ ઘ્યાન ખેચનાર હક્કીકત છે કે આ નવજાત ત્યજાયેલ બાળકોમાં લગભગ દિકરીઓ છે. શું હજુ આપણો સમાજ દિકરીને તરછોડનારો જ છે ? કે પછી કોઇ આર્થિક કારણ હોય શકે? અથવા તો સરોગેસીમાં મામલો બિચક્યો હોય કે પછી પ્રેમની લીલા આ બાળકોને પીંખી ખાય છે? કે કોઇ અનૈતિક સબંધો જવાબદાર છે? કે સમાજનો કોઇ ગર્ભીત ડર હશે.
પણ જો આજ કારણ હોય તો 9 માસ ગર્ભ હતો ત્યારે કેમ સંતાડી શકાયો? અને જન્મ આપીને કેમ ત્યજાય છે? પ્રશ્નો ઘણા છે અને ઉઠ્યા જ કરે છે રહી રહીને મનમાં પણ આ મામલો સમાજ માટે લાલબતી સમાન છે એવું કહ્યા વિના રહેવાતું નથી.
આ બાબતને કોઇ જોઇએ એટલું મહત્વ નથી આપતું એ દુ:ખની વાત છે. કારણ એક સામાન્ય માણસ તરીકે મારે મન આટલા પ્રશ્નો થયા તો શું આપણી પોલીસ કે જે આવા મામલાની તપાસ કરે છે અને જે પોતાના કાર્યમાં ખુબ જ કુશળ છે તેને આ પ્રશ્નો સામે નહીં આવ્યા હોય. અને આપણી ચોથી જાગીર અને તેના પહેરેદારોને આ લાલબતી સમાન ઘટનાઓ શું ખરેખર નથી દેખાતી કે પછી બીજી લાલબતીના પ્રકાશમાં આંખો અંજાયેલ છે.
અંતે કહેવુ ઘટે કે આપણી આસપાસ કોઇ આવી ઘટના આકારલે તે પહેલા આપણે આ વિશે વિચારવાની તાતી જરૂર છે. “આપ મર્યા વિના સ્વર્ગે તો નથી જ જવાતું ને”
Bhavesh Vyas