સુપ્રીમની બેન્ચે કહ્યું કે વહીવટીતંત્ર ન્યાયાધીશ ન બની શકે. કોઈની મિલકત માત્ર એટલા માટે તોડી ન શકાય કારણ કે સંબંધિત વ્યક્તિ આરોપી અથવા દોષિત છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેંચે કહ્યું કે મહેજ બદલો લેવા માટે બુલડોઝરની કાર્યવાહી કરી શકાય નહીં....
ઉલ્લેખનીય છે કે
ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા પોતાની રીતે બનાવી અને દેશભરમાં પ્રચલીત કરવામાં
આવેલ બુલડોઝર પ્રથા મામલે અને ખાસ કરીને હાલનાં સમયમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત સહિત
દેશના અનેક રાજ્યોમાં બુલડોઝરની કાર્યવાહીને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય
આપ્યો છે. બે જસ્ટિસની સુપ્રીમ બેચ, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની
કોર્ટે કહ્યું કે કોઈપણ પરિવાર માટે ઘરની માલિકી સપનું હોય છે અને તે વર્ષોની
મહેનત પછી બને છે. તેથી, કોઈનું ઘર ફક્ત એટલા માટે તોડી શકાય નહીં કારણ કે તે કોઈ કેસમાં
આરોપી અથવા દોષિત છે. બેન્ચે વધુમાં કહ્યું કે વહીવટીતંત્ર ન્યાયાધીશ ન બની શકે
અને કોઈની મિલકત માત્ર એટલા માટે તોડી ન શકાય કારણ કે સંબંધિત વ્યક્તિ આરોપી અથવા
દોષિત છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેંચે કહ્યું કે બદલો લેવા
માટે બુલડોઝરની કાર્યવાહી કરી શકાય નહીં.
કોર્ટે કહ્યું
કે ઘર એ નાગરીકનો મૂળભૂત અધિકાર છે અને નિયમોનું પાલન કર્યા વિના તેને છીનવી શકાય
નહીં. તેમણે કહ્યું કે તંત્રએ મનસ્વી કાર્યવાહીને બદલે નિયમોનું પાલન કરવું જોઈએ.
બેન્ચે કહ્યું, 'સરકારમાં જનતાનો વિશ્વાસ તેના પર નિર્ભર કરે છે કે તે લોકો પ્રત્યે
કેટલી જવાબદાર છે અને તે લોકોનાં અધિકારોનું કેટલું રક્ષણ કરે છે. લોકોની મિલકતો
પણ સુરક્ષિત હોવી જોઈએ. કોર્ટે કહ્યું કે વહીવટીતંત્ર ન્યાયાધીશ ન બની શકે અને
કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વિના બુલડોઝરની કાર્યવાહી જેવી બાબતો થઈ શકે નહીં.
એટલું જ નહીં, બંધારણની કલમ 142નો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટે બુલડોઝરની
કાર્યવાહીને લઈને સમગ્ર દેશ માટે માર્ગદર્શિકા પણ નક્કી કરી છે.
જાણો- કોર્ટે
બુલડોઝરની કાર્યવાહી પર કઇ માર્ગદર્શિકા નક્કી કરી છે...
કોર્ટે કહ્યું
કે લેખિત સૂચના એટલે કે નોટીસ આપ્યા વિના કોઈની મિલકત તોડી ન શકાય. નોટિસ ઓછામાં
ઓછા 15 દિવસ પહેલા મળવી જોઈએ. નોટીસ રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવી જોઈએ અને સંબંધિત
બિલ્ડિંગ પર પણ પેસ્ટ કરવી જોઈએ. નોટીસ મારફતે તે પણ જણાવવું જોઈએ કે શા માટે
ઈમારત તોડી પાડવામાં આવી રહી છે. સાથે સાથે આ જ નોટિસમાં એ પણ જણાવવાનું રહેશે કે
આ કાર્યવાહીને રોકવા માટે શું કરી શકાય.
કોઈપણ મિલકત પર
બુલડોઝિંગ કાર્યવાહી કરતા પહેલા,
તેના માલિકની વ્યક્તિગત સુનાવણી કરવી પડશે. આ
સિવાય અધિકારીઓએ આદેશ અંગે મૌખિક માહિતી આપવાની રહેશે. બુલડોઝરની કાર્યવાહીની
વિડિયોગ્રાફી પણ કરવામાં આવશે જેથી કોર્ટની માર્ગદર્શિકાનું પાલન થયું છે કે નહીં
તે અંગે પુરાવા મળી શકે.
કોર્ટે કહ્યું
કે DM એ જોવું પડશે કે બુલડોઝર કાર્યવાહીના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે
નહીં. તેઓએ નક્કી કરવાનું રહેશે કે જે ઈમારતો ગેરકાયદે છે તેને જ તોડી પાડવામાં
આવે અને તેમાં પણ નિયમોનું પાલન કરવામાં આવે. નિયમોનું પાલન કર્યા વિના મકાનો કે
બિલ્ડીંગ તોડી પાડનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટની અવમાનનાની
કાર્યવાહી પણ થઈ શકે છે. આ સિવાય દંડ પણ થઈ શકે છે. એટલું જ નહીં, મિલકતને તોડી
પાડવાને કારણે થયેલા નુકસાનની ભરપાઈ પણ સત્તાવાળાઓ પાસેથી થઈ શકે છે.
જસ્ટિસ બીઆર
ગવઈએ કહ્યું કે કાયદા હેઠળ તમામ નાગરિકો સાથે સમાન વ્યવહાર થવો જોઈએ. કોઈનું ઘર
તોડવું એ તેના મૂળભૂત અધિકારની વિરુદ્ધ છે. કોર્ટમાં કેટલાક અહેવાલોનો ઉલ્લેખ કરતા
તેમણે કહ્યું કે કોઈનું ઘર કોઈ ગુના માટે તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ તે જ ગુનો
કરવા બદલ અન્ય સમુદાયના વ્યક્તિ સામે આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
કોર્ટે કહ્યું
કે જો કોઈ ગેરકાયદે બાંધકામ તોડવું હોય તો તેમાં કોઈ પક્ષપાત ન થવો જોઈએ. તેમણે
કહ્યું કે આરોપી અથવા તેના સમુદાયની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને કાર્યવાહી ન કરવી
જોઈએ.
જસ્ટિસ ગવઈએ
કહ્યું કે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈપણ આરોપીના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન ન
થાય. વહીવટીતંત્ર કોઈપણ વ્યક્તિને દોષિત ઠેરવી શકે નહીં અને તેના આધારે મકાન તોડી
શકાય નહીં. આવી ક્રિયાઓ કાયદાની ભાવના પર સીધો પ્રહાર કરે છે.
