PM મોદીની 15 અને HM શાહની 50 રેલી સહિત કેન્દ્રીય મંત્રીમંડળનાં આંટા ફેરા જ કહી જાય છે કે પશ્ચિમ બંગાળ અને બંગાળી વાઘણ મમતા દીદીને જીતવા સહેલા છે કે નહીં


કેન્દ્રમાં લગભગ બે-બે ટર્મનાં શાસન પછી પણ રામ-કૃષ્ણનું નામ ચૂંટણી જીતવા માટે અનિવાર્ય? આખરે ભાજપની મનસા પૂરી થઈ? : ભાજપ, કોંગ્રેસ, ડાબેરીઓના આક્રમણ સામે ઝઝુમવા દીદીપણ ધર્મનું કાર્ડ ખેલી જ લીધું : દીદીનાં તેવરથી ભાજપને પણ સમજાય ગયું કે આ કોંગ્રેસ નહીં પણ તૃણમુલ કોંગ્રેસ છે અને આ વખતે લડાઇ કોઇ રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી સામે નહી, પણ બંગાળની વાઘણનું ઉપનામ ધારણ કરનાર મમતા બેનર્જી સામે છે. દાવ ખેલતા અને પત્તા ફેકતા ખાલી ભાજપને જ નહીં પણ દીદીને પણ બખુબ આવડે છે, તે છેલ્લે દિવસોમાં સૌ ને ખબર પડી ગઇ છે. ઉલ્લેખ કરવો હોય તો કાલે જ દીદીએ પોતાની જાનને ભાજપ અને ભાજપવાળાઓથી ખતરો હોવાનો સનસની ખેજ આક્ષેપ કરી દીધો છે અને હવે મમતાજીને કોઇ નુકશાન ન થાય તેનું ધ્યાન પણ ભાજપ રાખશે.   

રાજકારણનાં રામકરણનો જ્યાં સુધી સવાલ છે તો, કહેવાય છે ને કે રામનાં નામે તો પથ્થર પણ તરી જાય છે અને રામાયણની ચોપાઈ છે ને, યાદ છે?

"દિન દયાલ બિરુદ સંભારી,

હર હું નાથ મમ સંકટ ભારી"

 મતલબ કે રામનાં સ્મરણથી ભારેમાં ભારે સંકટો પણ નાશ થાય છે. ભાજપને તો રામનું નામ જ ફળ્યું છે(જો વિકાસ કે વિકાસ પુરુષ ફળ્યા હોત તો વિકાસનાં નામે અને સુશાસનનાં નામે વોટ માંગત કદાચ) અને હવે તો કહેવાની પોઝિશન પણ છે કે અમારા(ભાજપ)નાં રાજમાં રામમંદિર નિર્માણનો રસ્તો પણ પ્રસ્સત થયો અને નિર્માણનું કામ પણ શરુ થઇ ચૂક્યુ છે. સાપ્રાંત સંદર્ભે જો વાતને જોવામાં આવે તો અહીં મસલો થોડો ગુચવાયેલો લાગે કારણ કે પૂર્વે જેની સામે ભાજપે ટક્કર લીધી તે કોંગ્રેસ પર લધુમતિનો પક્ષ લેવાનું લેબલ લાગેલું હતું અને કદાચ આજે પણ છે. પરંતુ આ તો દીદી...જય જય રામ કે જય શ્રી રામ કદાચ કોંગ્રેસને બોલવાનું ન ફાવે પણ દીદી તો આ નારા સામે ચંડીપાઠનું આહવાન કરી ચંડ-મુંડને લલકારી શકે છે તે દીદીએ વળતા પ્રહારમા જ બતાવી દીધુ.

વળી દીદીને સત્તા કોંગ્રેસ કુમારની જેમ વારસામાં નહોતી મળી તે પણ યાદરાખવા જેવી બાબત છે. દીદીએ વર્ષોના લેફ્ટીસ્ટ(ડાબેરી) શાસન અને શાસકોને(જે સમયે સમયે બંદુકનો ઉપયોગ કરતા પણ જાણતા હતા અને જેનો એક સમયે બંગાળમાં હાકો પણ હતો)  જ જ મુળથી ઉખેડીને ફેંકી બતાવ્યા છે. આમ તો ઇતિહાસ ગવાહ છે કે બંગાળ ક્રાંતિનું જનક છે.

પશ્ચિમ બંગાળએ ક્રાંતિનું રાજ્ય છે. ક્રાંતિકારીઓની ભૂમિ છે. તુમ હમે ખુન દો, મેં તુમ્હે આઝાદી દુંગા” ના નારા સાથે રાષ્ટ્રભક્તિની આહલેક જગાવનાર નેતાજી સુભાષચંદ્ર બોઝની, તો મને 100 નચીકેતા (ચરિત્રવાન યુવાનો) આપો હું દૂનિયાની કાયા પલટ કરી દઇશ અને સાહિત્ય મોરચે ભારતની જ્યોત વિશ્વવ્યાપી બનાવનાર ગુરુવર રવિન્દ્રનાથ ટાગોર સહિત અનેક મહાનુભાવોની ભૂમિ છે. બંગાળનાં સંદર્ભમાં કોને યાદ કરવા અને કોને યાદ કરવા તે વિચારવા લાયક મુદ્દો બને તેમ છે. અને ભાજપ પણ જાણે છે કે આ વખતે ટક્કર બંગાળી સાથે છે. કાશ્મિરી પંડિતો(નહેરુ ગાંધી પરિવાર) સાથે નથી.

ભલે પાંચ રાજ્યોની ચૂંટણી સાથે છે પણ પશ્ચિમ પંગાળને વધુમાં વધુ મહત્વ મળી રહ્યું છે. કેન્દ્રીય બજેટમાં પશ્ચિમ બંગાળ પર યોજનાઓનો વરસાદ કરવામાં આવ્યો છે. બે માસ કરતા વધુ સમયથી પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાની અનેક સભાઓ રોડ શો થઈ ચૂક્યા છે. ડાબેરી અને કોંગ્રેસ ૨૦૧૬ની ચૂંટણીની જેમ એક બનીને મેદાનમાં ઉતર્યા છે. બીજા ઘણા પરીબળો છે જે મેદાને જંગમાં છે. અને બંગાળ સર કરવાનું ખાસ મહત્વ છે ભાજપ માટે.

પશ્ચિમ બંગાળમાં ૨૦૧૧ની ચૂંટણીમાં જે માહોલ ઉભો થયેલો અને ૩૦ વર્ષ કરતાં વધુ વર્ષના ડાબેરી શાસનનો અસ્ત થયો અને ટીએમસીની આગેવાની હેઠળના મમતા દીદીના શાસનનો ઉદય થયો. મમતા દીદી ૨૦૧૧માં કોંગ્રેસ સાથે હતા. પરંતુ ૨૦૧૬માં કોંગ્રેસ ડાબેરીઓ સાથેના ગઠબંધનમાં હતી. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં સમખાવા પૂરતી માત્ર એક બેઠક મેળવનાર ભાજપને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૧૮ બેઠકો અને ૩૪ ટકા મત મળ્યા. પર્વોત્તર ભારતનાં રાજકારણનો દરવોજો કહી શકાય તેવા બંગાળમાં ૨૦૧૯ બાદ ભાજપે વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ૨૦૧૯ના પરિણામોને આધાર બનાવી ભાજપે બંગાળમાં આક્રમક પ્રચાર અભિયાન પણ ચાલાવ્યું. જેના પરિણામે તે ૨૦૧૫માં વિધાનસભામાં મળેલી બેઠકોના સ્થાને ૨૦૦ પ્લસ બેઠકો મેળવવા ભાજપ આતુર છે અને તે માટે કોઈ કચાસ રાખવા પણ માગતું નથી. કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ધનખડ પણ મમતા બેનરજીની સરકાર સામે રાજકીય નિવેદનો ફટકારે છે. જો કે બાબતને નિષ્ણાતો પશ્ચિમ બંગાળમાં લોકશાહી રૂપી સોનાની થાળીમાં લોખંડની મેખ સમાન ગણાવે છે.

પશ્ચિમ બંગાળની ચૂંટણીની જાહેરાત પહેલા બંગાળની પ્રજાએ ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચેની બબાલો જોઇ લીધી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખના કાફલા પર હુમલા સહિતનાં અનેક હુમલા અને બનેં પક્ષે રાજકીય હત્યાઓ પણ જોઇ છે. અરે હુમલાનાં જવાબમાં હુમલો એટલે કે મમતાજીનો પગ કચડી નાખવાની ઘટના પણ પ્રજાએ જોઇ જ છે. હદો તો ત્યારે જોવાઇ જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંચ પર હાજર હોય અને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી પ્રવચન કરવા ઉભા થાય, ત્યારે જય શ્રી રામનાં નારા લાગે અને સાથોસાથ મમતા દીદી મુર્દાબાદના અવાજો ગુંજે, અને તે પણ નારાઓ પશ્ચિમ બંગાળ ભાજપના જવાબદાર આગેવાનો લગાવે અને ઉશ્કેરાયેલા મમતા દીદી પોતાનું પ્રવચન ટુંકાવે અને મહેમાનને બોલાવી તેનું અપમાન કરવું તે પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ નથી તેમ ટોણો મારતા જણાવી સભા સ્થળ છોડી જતા રહે.

પાછળથી બાબતને ભગવાન રામના નામ સાથે જોડીને રાજકીય ધર્મકરણ થાય અને ભગવાન રામના નામ સામે મમતાદીદીને વાંધો છે તેવો કુ-પ્રચાર થાય. અરે ખુદ દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ફુટબોલની રમતનો ઉલ્લેખ કરી મતદારોમાં રામ કાર્ડ ખેલી દેખાડી મમતાદીદીનો ગોલ કરી દેશે એવા વિધાનો કરે. તમામ બાબતો અને દ્રશ્યો સાદર્શ થતા પશ્ચિમ બંગાળની પ્રજાએ જોયા છે. વળી પશ્ચિમ બંગાળની ક્રાંતિકારી પ્રજાએ મમતા દીદીના અનેક જવાબદાર સાથીઓને રાજકીય કારણો સાથે ભાજપનો કેસરીયો ખેસ પહેરતા પણ જોય છે.

જો કે દીદી ડરે તેમ નથી તે વાત પાક્કી ત્યારે લાગે છે કે દીદીઓ પણ એક જાહેર સભામાં ભાજપનાં રામ સામે કૃષ્ણ ને મેદાનમાં ઉત્તાર્યા અને નારો આપી દીધો : હરેકૃષ્ણ હરેરામ વિદાય થાય ભાજપ - વામ (ડાબેરીઓ) ‘ હરે કૃષ્ણ હરે હરે તૃણમુલ કોંગ્રેસ ઘરે ઘરે’. નારાઓ ખાસ કરીને પશ્ચિમ બંગાળની ગુજરાતી વિસ્તારોમાં વધુ ચગાવવામાં આવ્યા. મમતા દીદીને માનવા તો ત્યારે પડ્યા કે તેણીએ શિવરાત્રીના દિવસે નંદીગ્રામમાંથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ અને શિવમંદિરે પ્રદર્શન કરી  મહાપર્વના કાર્યક્રમમાં ભાગ લીધો.

ભાજપના ૨૯૪ પૈકી મોટા ભાગના ઉમેદવારો પણ કાંતો ટીએમસીના પક્ષપલ્ટુ નેતાઓ હશે અથવા તો રાજકારણમાં નહોતા અને વિવિધ ક્ષેત્રોમાં નામના ધરાવતી સેલીબ્રીટી હશે. ટુંકમાં ભાજપને ઉમેદવારો પણ બહારથી શોધવા પડ્યા છે તેવો કોઈ આક્ષેપ કરે તો તે સાવ ખોટો તો નથી તેવું નિષ્ણાંતો કહે છે. જો કે ઘણા નિષ્ણાંતો તો તેવુ પણ કહે છે કે આ વખતની ફાઇટ ભાજપ વિરુદ્ધ ટીએમસી નહીં પરંતુ મહદ અંશે ટીએમસી વિરુદ્ધ ટીએમસીની છે,

જોકે સામે પક્ષે મમતા બેનર્જી ભલે મૂળ કોંગ્રેસી નેતાઓ હોય, પરંતુ તેઓ ગુજરાતના કોંગ્રેસી નેતાઓની જેમ શરણાગતિ સ્વીકારે તેવા નેતા નથી. પશ્ચિમ બંગાળની પુત્રી છે અને પશ્ચિમ બંગાળની અસ્મિતા પર ખતરો ઉભો થયાના નારા સાથે તેણી મેદાનમાં ઉતર્યા છે,  ભાજપના નેતાઓ દ્વારા થતાં દરેક પ્રકારના પ્રચારનો જવાબ તેણી તે જ રીત-ભાતમાં આપે છે. ભાજપના તમામ તુક્કા અને કાર્યક્રમો સામે તા કાર્યક્રમો પણ આપે છે. આમ જુઓ તો ગુજરાતમાં જે રીતે ૨૦૦૨માં મોદી વર્સિસ ઓલ જેવી સ્થિતિ હતી, તેવી રીતે પશ્ચિમ બંગાળમાં ભલે કોંગ્રેસ અને ડાબેરીઓ અલગ લડતા હોય પણ હકિકતમાં ભાજપનાં પ્રહારો મમતા બેનરજી પર છે. તેથી તો મહારાષ્ટ્રના સામના સહિતનાં જે હજુ પણ સાચુ લખી શકે છે તેવા ઘણા અખબારોએ વાતની નોંધ લીધી છે કે પશ્ચિમ બંગાળમાં મમતાદીદી વર્સિસ ઓલ એટલે કે બધા તેવી સ્થિતિ છે.

મમતા દીદીનાં હરિફો તે ભૂલવાની લેશ માત્ર ભૂલ ન કરે કે આજે પણ પ્રજાનો મોટો વર્ગ હજી પણ મમતા દીદી સાથે છે. જો કે આ બાબત માસ પહેલા થયેલી વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીમાં અને આઠ માસ પહેલા યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં સાબીત થઈ ચુકી છે.

ભાજપ માટે બંગાળ જીત આસાન નથી તે વાતની પ્રતિતિ તો ખુદ ભાજપે જ કરાવી દીધી છે. જી હા, પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ભાજપે આક્રમક પ્રચાર ઝુંબેશની યોજના ઘડી કાઢી છે. ઇતિહાસમાં પહેલી વખત ભારતનાં વડાપ્રધાન કોઇ રાજ્યની ચૂંટણીમાં એટલો પ્રચાર કરતા જોવા મળશે.  

વડાપ્રધાન મોદીની આ ચૂંટણીઓમાં ૧૫થી વધુ સભાઓ અને રેલીઓ સ્કેડ્યુલ કરવામાં આવી છે. સાથે સાથે ગૃહમંત્રી અમિત શાહની ૫૦થી વધુ સભાઓ પશ્ચિમ બંગાળની ૨૯૪ વિધાનસભા બેઠકોને આવરી લે તે રીતે યોજાશે. જ્યારે લગભગ એક ડઝનથી વધુ કેન્દ્રીય પ્રધાનો અને થી વધુ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો પણ ઉતરવાના છે. ૧૦મી માર્ચ બાદ કેન્દ્રીય પ્રધાનો દિલ્હીમાં પોતાને પ્રજાએ સોંપેલી જવાબદારી બાજુએ મૂકી કે અધિકારીઓ પર છોડી મમતા દીદીને ચૂંટણીમાં હરાવવા માટેના સૂત્ર સાથે મેદાનમાં ઉતરશે.

પશ્ચિમ બંગાળના મુસ્લિમ મત વિસ્તારોમાં મત તોડવા ડાબેરીઓ અને કોંગ્રેસ સાથે જ કહેવાતી રીતે ભાજપની બી-ટીમ ગણવામાં આવતા ઓવૈસી પણ હાજર છે. ૭૦ બેઠકો પર જેનું વર્ચસ્વ છે તે મતુઆ સમાજને સાથે લેવા માટે ભાજપે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સમયે બાંગ્લાદેશ સ્વાતંત્ર્યની સુવર્ણ જયંતિ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા જવાનું અને બંગાળ અને બાંગ્લાદેશની સરહદો પર વસતા મતુઆ સમાજને વિવિધ લાભો આપી પોતાની તરફેણમાં ખેંચવાની યોજના ઘડી છે.